સુરતઃ રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેનનો શનિવારે સુરતથી પ્રારંભ થયો. સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો હતો. સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીનો અમૃત ભારત ટ્રેનના રૂપમાં વધુ એક વિકલ્પ મળ્યો છે.
આ નિમિત્તે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉધના રેલવે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા. ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન રવાના થઈ તે વેળાએ ઉધના રેલવે સ્ટેશને સેંકડો ઓડિશા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી આ ટ્રેન 5 ઓક્ટોબરથી નિયમિત કાર્યરત્ થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
