અમદાવાદઃ દરવર્ષે 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ ઊજવાય છે. 2340 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં આઇલેન્ડ ટૂરિઝમની અપાર સંભાવના છે. વિધાનસભામાં જાહેર ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના વાર્ષિક રિપોર્ટ મુજબ, રાજ્યમાં 144 ટાપુ પૈકી 13 ટાપુને સર્વાંગી વિકાસ માટે ઓળખાયા છે. તેમાંથી બેટ દ્વારકા, સવાઈ અને શિયાલ બેટના માસ્ટર પ્લાન અને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. જ્યારે પિરોટન ટાપુના માસ્ટર પ્લાન, ડિઝાઇન અને ટેકનિકલ ઇનપુટ્સની તૈયારી માટે એજન્સી નિયુક્ત કરાઈ છે. બેટ દ્વારાકાની વિકાસ કામગીરી 2 વર્ષમાં પૂર્ણ કરવા ટાર્ગેટ રખાયો છે.
જામનગર પિરોટન ટાપુ મેન્ડ્રુવ બોર્ડ વોક, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, નેચર ટ્રેઇલ, બર્ડ વોચિંગ માટે તૈયાર થઇ શકે છે. અમરેલીના શિયાલ- સવાઈ બેટ પર ઇકો રિસોર્ટ, બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, વોટર સ્પોર્ટ્સ અને ડોલ્ફિન વોચિંગ ટૂર સુવિધા તૈયાર થશે. પિરમ બેટ, કડિયા બેટ, આલિયા બેટ, પડાલા બેટ, ગાંધીયાકડો, પાનેરો, રોજી, ભાઇદર, નોરા, વાલવોડ ટાપુનો વિકાસ થઈ શકે.
બેટ દ્વારકાને અર્બન ઓથોરિટીનો ભાગ બનાવી ટાઉન પ્લાનિંગ ચાલી રહ્યું છે. શિયાલ બેટ એક્ઝામિનેશન સ્ટેજ પર છે.

