અમદાવાદઃ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમનું રિડેવલપમેન્ટ 2026 સુધીમાં પૂર્ણ થશે એવો અંદાજ છે. પહેલા ફેઝની કામગીરી બાદ પરિસર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. પરિસરને જોવા માટે 60 મિનિટના બદલે હવે 6 કલાક લાગશે. ગાંધીઆશ્રમ વિસ્તારને તીર્થક્ષેત્ર તરીકે વિકસાવાઈ રહ્યો છે. 1 લાખથી વધુ અને 323 પ્રકારનાં વૃક્ષથી 55 એકર વિસ્તારમાં ગ્રીન કવર બનશે. જ્યાં સામાન્ય કરતા 2 ડિગ્રી તાપમાન ઓછું રહેશે.
આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમમાં એક લાખથી વધારે વૃક્ષ રોપવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ગાંધીજીએ આત્મકથામાં જણાવ્યું છે કે પૂજાભાઈ હીરાચંદ આશ્રમ માટે જમીન શોધી લાવ્યા હતા. એ સમયે જમીન પર એકપણ ઝાડ નહોતું. શરૂઆતમાં તંબુમાં રહેવાનો નિર્ણય કરાયો હતો. બાદમાં ધીમેધીમે સ્થાયી મકાન બાંધવાનું શરૂ કરાયું હતું. 17 જૂન 1917ના દિવસે સાબરમતી આશ્રમની સ્થાપના થઈ તે સમયે ગાંધીજી બિહારના મોતીહારીમાં હતા. 31 મે 1917ના દિવસે સાબરમતી આશ્રમ માટેની જમીનનું બાનાખત, 2 જૂને પાકો દસ્તાવેજ અને 13 જૂને રજિસ્ટર કરવામાં આવ્યો.
સાદગી-ઔચિત્ય જળવાઈ રહેશે
સમગ્ર પ્રોજેક્ટમાં સાબરમતી આશ્રમની સાદગી-ઔચિત્ય જાળવી રખાશે. હૃદયકુંજ, મગનનિવાસ, વિનોબા કુટિર, નંદિની નિવાસ, ઉદ્યોગ મંદિર, ગાંધીસ્મારક સંગ્રહાલય સહિતનાં 20 જૂનાં મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જિર્ણોદ્ધાર અને 3 મકાનોના પુનર્વિકાસ સાથે ગાંધીબાપુના સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ મૂકવામાં આવશે.
આશ્રમના નવાં બનાવાઈ રહેલાં મકાનો ચૂના અને લાકડાંથી જ બનાવવામાં આવે છે. અહીં લોકોને મોહન ટુ મહાત્મા થીમ પર ઘટાદાર વન, ચરખો, ખાદી, કાગળ બનાવવાનું વર્કશોપ, એક્ઝિબિશન એરિયા, ઓરિએન્ટેશન સેન્ટર, ઘાટ, જૂનું રસોડું, માનવ સાધના, ઉદ્યોગ મંદિર, હૃદયકુંજ, પાર્કિંગ, મુખ્ય દ્વાર, પ્લાઝા સહિતનાં આકર્ષણો જોવા મળશે.

