સુરતઃ લોકસમર્પણ બ્લડ બેન્કે એક વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવવા અનોખી કામગીરી કરી. તડકેશ્વરની શિફા હોસ્પિટલમાં દાખલ એક વર્ષના બાળકનું હિમોગ્લોબીન લેવલ માત્ર 5 ગ્રામ થઈ જતાં તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થઈ.
તપાસમાં જાણવા મળ્યું કે બાળકનું બ્લડ ગ્રૂપ રેર ઓફ ધ રેર ‘બોમ્બે નેગેટિવ' છે, જે 10 લાખ પૈકી માત્ર એક વ્યક્તિમાં જ હોય છે. ગુજરાતની 200 બ્લડ બેન્કોમાં તપાસ છતાં બ્લડ ન મળતાંં બેન્કના સ્ટાફે કર્ણાટકના ગડગ ગામમાં રહેલા ડોનરનો સંપર્ક કર્યો હતો.
લોકસમર્પણ બ્લડ બેન્કનાં એડમિન મનીષા રાજપરાએ કહ્યું કે, તડકેશ્વરની હોસ્પિટલ દ્વારા બ્લડની બોટલ માટે લોકસમર્પણ બ્લડ બેન્કનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ લોકસમર્પણ દ્વારા તપાસ કરાઈ. જો કે સમગ્ર ગુજરાતની તમામ 200થી વધારે બ્લડ બેન્ક પૈકી એકપણ બ્લડ બેન્ક પાસે બોમ્બે નેગેટિવ બ્લડ ગ્રૂપ નહોતું. જે પછી કર્ણાટકના ગડગ ગામમાં એક વ્યક્તિનું બોમ્બે નેગેટિવ ગ્રૂપ હોવાથી તેનો સંપર્ક કરી બ્લડ તેમનું બ્લડ લેવાયું હતું.
10 હજારથી વધુનો ખર્ચ
બ્લડ બેન્કના જણાવ્યા મુજબ એક બોટલ બ્લડના ટેસ્ટિંગથી લઈને પેકિંગ અને જાળવણીનો ખર્ચ અંદાજે રૂ. 1200થી 1400 થાય છે, પરંતુ લોકસમર્પણ બ્લડ બેન્ક ફક્ત આ તમામ પ્રોસેસ કરીને દર્દીને માત્ર રૂ. 700માં આપે છે, જ્યારે બાળકો માટે માત્ર રૂ. 500માં અપાય છે. આ કિસ્સામાં કર્ણાટકથી બ્લડ લાવવા રૂ. 10 હજારથી વધુ ખર્ચ થયો હતો, છતાં બ્લડ બેન્કે આ બધો ખર્ચ પોતે જ કર્યો અને બાળકની નિઃશુલ્ક સારવાર કરી હતી.
બોમ્બે બ્લડ ગ્રૂપ એટલે શું?
જ્યારે કોઈ વ્યક્તિમાં અલગ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળે ત્યારે સંશોધન કરનારી બ્લડ બેન્ક દ્વારા તેનું નામ પાડવામાં આવતું હોય છે. બોમ્બે નેગેટિવ બ્લડ ગ્રૂપનું સંશોધન મુંબઈની બ્લડ બેન્ક દ્વારા કરાયું હતું, જેથી આ બેન્ક દ્વારા ‘બોમ્બે બ્લડ ગ્રૂપ’ નામ આપવામાં આવ્યું હતું, જે બ્લડ ગ્રૂપ અત્યંત દુર્લભ છે, કારણ કે તેમાં H એન્ટિજન હોતા નથી.
