આણંદઃ ગુજરાતના આણંદમાં ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’ સ્થાપવા અંગેના એક બિલને બુધવારે લોકસભાની મંજૂરી મળી હતી. આ યુનિવર્સિટીનો હેતુ દેશભરની સહકારી મંડળીઓ માટે ક્વોલિફાઇડ માનવબળ ઊભું કરવાનો છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પરની ચર્ચા દરમિયાન સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીનું નામ ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી રખાયું છે, જેઓ ભારતમાં સહકારી ચળવળના અગ્રણી પ્રણેતા હતા અને અમૂલનો પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિપક્ષે આ યુનિવર્સિટીનું નામ વર્ગિસ કુરિયન પરથી રાખવાની માગ કરી હતી, પરંતુ અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ કોંગ્રેસના નેતા હતા, જેમણે કુરિયનને નોકરી આપી હતી. સૂચિત યુનિવર્સિટી સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્રમાં કર્મચારીઓ અને બોર્ડ સભ્યોની ક્ષમતા નિર્માણના લાંબા સમયથી પડતર મુદ્દાનો ઉકેલ લાવશે.