કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળનો શતાબ્દી મહોત્સવ ઊજવાશે

Wednesday 02nd April 2025 06:15 EDT
 
 

અંજાર: કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળ સંચાલિત રાયબહાદુર જગમાલભાઈ રાજાભાઈ ચૌહાણ વિદ્યાર્થી બોર્ડિંગ-ભુજની સ્થાપનાનાં 100 વર્ષની રંગેચંગે ઉજવણી કરાશે. આ સાથે શેઠ ધનજીભાઈ રતનશીભાઈ રાઠોડ અને શેઠ લીરાભાઈ રાજાભાઈ રાઠોડ વિદ્યાર્થી ભવન અંજારની સ્થાપનાનાં 75 વર્ષ અને કેળવણી મંડળના રજિસ્ટ્રેશનનાં 60 વર્ષના ઉપલક્ષ્યમાં 1, 2 અને 3 જૂનના ત્રિદિવસીય `ઋણાભિધાન' સમારોહનું આયોજન કરાશે. કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજ સોલંકીના અધ્યક્ષસ્થાને અંજાર વિદ્યાર્થીભવનમાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવેલું.
ત્રિ-દિવસીય સમારોહ ઉપરાંત મહાસભાની અર્ધવાર્ષિક બેઠક, મહાસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન, સહયોગી દાતાઓનું સન્માન, મોટિવેશનલ વક્તવ્ય, આગામી 100 વર્ષના શૈક્ષણિક આયોજન, પૂર્વ વિદ્યાર્થીઓનું મિલન અને લોકડાયરો જેવાં આયોજનો નક્કી કરાયાં હતાં. આયોજન માટે સમિતિઓની રચના તેમજ કાર્યવહેંચણી તેમજ અંજાર બોર્ડિંગ ખાતે કાર્યરત્ કે.જી.કે. વોકેશનલ કોલેજમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા અને અદ્યતન કોલેજ બિલ્ડિંગનું નિર્માણ કરવાના નિર્ણય લેવાયા હતા.


comments powered by Disqus