ભુજ: 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના તમામ કલાકારોને સાંકળી શકાય તે હેતુસર ‘રેઇનબો આર્ટિસ્ટ સોસાયટી ઇન કચ્છ’ સંસ્થાની સ્થાપના કરાઈ હતી તથા દરવર્ષે એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી. કલાકાર, લેખક, એક્ટર તથા દિગ્દર્શક એવા કચ્છના સ્વ. રસિક નાથાણીની કલા અને તખતાની યાદોને વિવિધ કલાકારોએ વર્ણવી તથા તે વખતના દાયકામાં ભજવેલાં નાટકોમાં પ્રતિશોધ, હત્યા, વાવાઝોડું, ચંપા, ભુજ મેં તીન ગુન, ધ રોન્ગ મેન, આઉં કીં ચિંધા ન તો કરીઆં સહિતનાં નાટકોને યાદ કરાયાં હતાં.
તે સમયે કચ્છના મોટી વસ્તી ધરાવતા સ્થળોએ સ્ટેજ-શો કરાયા હતા. અંધજન મંડળ તથા દુષ્કાળ રાહત ઉપક્રમે નાટકો કરી સમાજને ઉપયોગી થવા યોગદાન આપનારા સ્વ. નાથાણીને 1974માં લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી-હાલોલ તરફથી ગુજરાતી ફિલ્મમાં કામ કરવા આમંત્રણ અપાયું હતું. તેમનાં સંભારણાની યાદ સાથે પુન: સ્થાપિત કરવાના હેતુથી આગામી સમયમાં કચ્છના કલારત્નોને શોધી તેમનું સન્માન સાથે પ્લેટફોર્મ અપાશે તેવું રસિક નાથાણીના પરિવારજન પિયૂષ નાથાણી, કાંતિ ઠક્કર તથા અરવિંદ નાથાણીએ જણાવ્યું હતું.