વડોદરાઃ ડભોઈ નર્મદાકિનારે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીમંડળનો વિવાદ વધુ વકરી રહ્યો છે. આ વિવાદ વચ્ચે મંદિરથી હકાલપટ્ટી કરાયેલા પૂજારીઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે. પૂજારીઓ પરિવાર સાથે મંદિરના પટાંગણમાં આવી ગયા છે. બીજી તરફ આ મામલાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરનારા ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) અને મંદિરના ટ્રસ્ટી પરિન્દુ ભગત આમનેસામને આવી જતાં વિવાદ ઘોંચમાં પડે તેવી દહેશત સેવાઈ રહી છે.
કુબેર ભંડારી મંદિરમાં છેલ્લા સપ્તાહથી ટ્રસ્ટીમંડળનો વિવાદ ચાલી રહ્યો હોઈ પંચાયતી અખાડા નિરંજની ટ્રસ્ટના 2 સંતો અને 3 ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદે મંદિરના પૂજારીઓને અમાસના દિવસે કાઢી મુકાયા હતા. બાદ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પૂજારીઓ સાથે બેઠક થતાં મામલો થાળે પડ્યો હતો. આ મુદ્દે પુજારીઓ પરિવાર સાથે મંદિર પરિસરમાં આવ્યા હતા, જ્યાં પૂજા કરવા પ્રતિબંધ લગાવાતાં પેઢીઓથી ચાલી આવતા પૂજારીઓએ પરિવાર સાથે મંદિરમાં ધામા નાખ્યા હતા. આ સાથે પૂજારીઓએ ચીમકી આપી છે કે, યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ચેરિટી કમિશનર તેમજ કોર્ટના દરવાજા ખખડાવી અહિંસક લડત ચાલુ રાખીશું.

