અમરેલીઃ બગસરના મોટા મુંજીયાસર ગામે પ્રાથમિક શાળામાં મોબાઇલ ગેમમાં અપાતા ટાસ્ક માટે વિદ્યાર્થીઓએ પોતાની જાતે પેન્સિલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડ કાઢીને હાથમાં કાપા માર્યા હોવાની ઘટના બહાર આવી હતી.
સમગ્ર ઘટના અંગે જિલ્લા તંત્રના આદેશ બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મોટા મુંજિયાસર ગામે વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરાઈ હતી. ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા.
બુધવારે સવારે શિક્ષણ મંત્રીએ આ બાબતે તપાસના આદેશ આપતાં વિદ્યાર્થીઓએ જાતે જ શાર્પનરની બ્લેડ કાઢી પોતાની જાતે ઇજા કરી હોવાનું જાણવા મળ્યું હતું અને આવું કરવા પાછળ મોબાઈલ ગેમ હોવાનું ખૂલ્યુ હતું. આ બાબતે બાળકોના કાઉન્સિલિંગમાં તેમણે જાતે જ પોતાને ઇજા પહોંચાડી હોય કોઈ ગુનાઇત કૃત્ય થયું હોવાનું સાબિત થતું નથી. બાળકો દ્વારા મોબાઇલ ગેમ દ્વારા એક કાપાના રૂ. 10 આપવામાં આવશે તેવાં ટાસ્ક આગળ વધારવા આ બાળકો દ્વારા આ કૃત્ય કરેલ હોઈ તેવું લાગી રહ્યું છે.

