અમદાવાદઃ ચૈત્ર માસનું ખૂબ મહત્ત્વ છે. ગુડી પડવાની સાથે મહારાષ્ટ્રના લોકો ઘરના આંગણે ગુડીની સ્થાપના કરે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા માતાજીની પૂજા-અર્ચના, જપ-તપ અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે મનની આંતરિક શુદ્ધિ માટે ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રામનવમી પણ ચૈત્ર માસમાં જ આવે છે. અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી, માધુપુરાના અંબાજી મંદિર, પાવાગઢ મહાકાળી માતા, મોટા અંબાજી, બહુચરાજી, ચોટીલા ચામુંડા માતાજી સહિતનાં દેવીમંદિરોમાં 9 દિવસ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા છે.
તહેવારોની હેલી જામી છે. રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો અને ગુડીપડવા, ચેટીચંડની પણ ઉજવણી કરાઈ હતી. ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢમાં સેંકડો ભક્તો ઊમટી પડ્યા હતા. ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રીથી અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટસ્થાપન કરાયું હતું, જે 51 શક્તિપીઠો પૈકી એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આ તકે પરિસર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
મંદિરથી દૂર 3 કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવીને શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જ્વારા વાવીને ઘટસ્થાપના વિધિને પરિપૂર્ણ કરાઈ હતી. આ નિમિત્તે અંબાજી મંદિર ઉપરાંત પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, કચ્છમાં માતાના મઢ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ચૈત્ર સુદ આઠમ આગામી 5 એપ્રિલે શનિવારે છે, જ્યારે 6 એપ્રિલે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.

