અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કેલધરા ગામના જસવંતભાઈ કાનજીભાઈ રાઠવા પોતાની બે એકર જમીનમાં ખેતી કરે છે. અગાઉ જસવંતભાઈ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે ખાનગી સંસ્થામાં નોકરી કરતા હતા. હાલમાં નિવૃત્ત થઈને વતન કેલધરા આવી ગયા છે. સંતાનમાં શીતલ, સોનુ, મોનુ અને નાવ્યા એમ ચાર દીકરી છે. સૌથી મોટી દીકરી શીતલે ધો. 1થી 5 સુધી અભ્યાસ મધ્યપ્રદેશમાં અને ધો. 6 થી 12નો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય અલીરાજપુર ખાતે કર્યો છે. તેને પાઇલટ બનવું હતું એટલે પુના ખાતે એરક્રાફ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ બે એરલાઇન કંપનીમાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી પણ કરી, પરંતુ પાઇલટ બનવાનું સપનું પૂરું કરવા નોકરી છોડી અને હાલ સાઉથ આફ્રિકામાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. 18 માસની ટ્રેનિંગમાંથી 12 માસની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે. 6 મહિના પછી કેલધરાની દીકરી આકાશમાં વિમાન ઉડાવતી નજરે પડશે. શીતલના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, પરંતુ દીકરીઓને સારું શિક્ષણ આપવા માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ. 25 લાખની લોન લીધી છે.