મહેસાણાઃ દેશી મરચાંના પીઠા તરીકે પ્રખ્યાત જોટાણા પંથકના ખાખરિયા ટપ્પા આસપાસના વિસ્તારમાં મરચાંની મોસમ ખીલતાં લાલ જાજમ પથરાઈ છે. જોટાણા, ખદલપુર, અજબપુરા, નદાસા, અંબાસણ, કાલરી, સીતાપુર અને બેચરાજી તરફનાં કેટલાંક ગામડાંની ખળીઓમાં લાલ મરચાં પકવવાની મોસમ જામી છે. આ પંથકથી મરચાંની ખરીદી કરવા મહેસાણા, પાટણ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન જિલ્લા ઉપરાંત અમદાવાદ અને વડોદારાના વેપારીઓનો પણ ધસારો રહે છે. અહીંના ખેડૂતો અને વેપારીઓ પાસેથી ખરીદી કરી બહારના વેપારીઓ લાલ મરચું દળીને હોલસેલના ભાવે વેચાણ કરતા હોય છે. કોઈપણ રાસાયણિક દવાનો છંટકાવ કર્યા વિના તૈયાર થતાં જોટાણા પંથકનાં મરચાંની માગ આખા ગુજરાતમાં છે.
જોટાણા પંથકમાં દેશી, રેશમ પટ્ટી, તેજા પટ્ટી, કાશ્મીરી, પટ્ટણી અને ટામેટાં મરચીનું મબલખ ઉત્પાદન થાય છે. ખુલ્લા બજારમાં તીખાં અને મોળાં મરચાંની માગ વિશેષ રહે છે. ફળદ્રુપ જમીનમાં વીઘાદીઠ મરચાંનું ઉત્પાદન 100 થી 150 મણ જેટલું થાય છે. જો કે મરચાંની પકવણી કરવા માટે પિયતની જરૂરિયાત વધુ રહે છે. આ વર્ષે 20 કિલોદીઠ મરચાંના ભાવ રૂ. 900ની આસપાસ છે. સૂકાં લાલ મરચાંના ભાવમાં પ્રતિવર્ષ વધારો થતો રહે છે.
જોટાણાનાં મરચાંમાં પુષ્કળ પોષક તત્ત્વો
મરચાં માટે પ્રખ્યાત જોટાણા ખાતે ઉત્પાદિત મરચાંમાં વિટામિન એ, સી અને ઈ જેવાં પોષક તત્ત્વો વ્યાપક પ્રમાણમાં મળે છે. લીલાં મરચાંમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય જોવા જઈએ તો મરચાં શ્વાસની સમસ્યા, વજન ઘટાડવા, ત્વચા માટે તેમજ આંખોનું તેજ વધારનારાં છે. આ વર્ષે મરચાં પાવડરનો ભાવ કિલોદીઠ રૂ. 230 થી રૂ. 500 સુધી સુધીના છે.