ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ થતાં 21 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં 4થી 5 કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાની ફરાર થઈ ગયા હતા, જે પૈકી દીપકની રાત્રે જ ઇડરથી ધરપકડ કરી લેવાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આ કેસમાં તપાસ માટે તુરંત સીટની રચના કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ આ અંગે તુરંત જ મૃતકોના પરિવારને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો
પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા. આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાનાં ફાયર ફાઇટર અને 108 એમ્બુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. FSLની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરાઈ છે.
ગેરકાયદે હતી ફેક્ટરી
ઘટનાની તપાસ કરતાં પોલીસને જણાયું છે કે, ખૂબચંદ મોહનાની અને તેમના પુત્ર દીપક મોહનાની દ્વારા આ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. તંત્રના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દીપક ટ્રેડર્સ નામની કંપનીને માત્ર ફટાકડાના વેચાણ માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેના બદલે તેમના
દ્વારા ફટાકડાનું ઉત્પાદન પણ શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે અહીં વિસ્ફોટક પદાર્થો મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા હતા.
તમામ મૃતક મધ્યપ્રદેશના રહેવાસી
ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનાની તપાસમાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જણાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલાં જ અહીં મજૂરીકામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેમનાં મોત નીપજ્યાં છે.
જવાબદારો સામે આકરી કાર્યવાહીની ખાતરી
ઉદ્યોગ, MSME, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડીસાની ઘટનામાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ બનાવ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી મેળવી તાત્કાલિક સહાય પૂરી પાડી છે.
સેફ્ટીના અભાવે લાઇસન્સ રિન્યૂ નહોતું કર્યું
બનાવ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024માં આ વેપારીને ફટાકડા રાખવા માટેના લાઇસન્સની મુદત પૂર્ણ થતાં તેણે રિન્યૂ માટેની અરજી કરી હતી. સ્થાનિક તંત્રએ તપાસ કરતાં ત્યાં સેફ્ટીનાં સાધનો ન હોવાથી અરજી નામંજૂર કરાઈ હતી. એટલું જ નહીં 12 માર્ચે પણ સ્થાનિક તંત્ર દ્વારા વેપારીના ગોડાઉન પર જઈ તપાસ કરાઈ હતી. આ દરમિયાન ત્યાં ફટાકડાનો કોઈ જથ્થો નહોતો. ફટાકડાનો જથ્થો ત્યારબાદ રાખવામાં આવ્યો હોઈ શકે. આ મામલે પોલીસે હાલ બે લોકોની અટકાયત કરી છે.
પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર વાપરતા હતા
ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર તેમજ સોડિયમ સલ્ફેટ પાવડર વાપરવામાં આવતા હતા. જેના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધારે હતી.
વિરોધ પક્ષના આકરા પ્રહાર
ઘટના અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂપિયા કે વળતર જીવની કિંમત ચૂકવી ન શકે. સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાવાં જ જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, 21 લોકોનાં મોત બાદ તંત્ર જાગે છે. અત્યાર સુધી આ ફેક્ટરી કેવી રીતે ચાલી, તંત્ર આ અંગે અજાણ કેમ હતું? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘટનાને વખોડી નાખતાં કહ્યું હતું કે, બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં શ્રમિકોનાં મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે, હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનાની તુરંત તપાસ થવી જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.