દ્વારકાઃ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના સાંસ્કૃતિક વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા ત્રિસ્તરીય સંશોધન કાર્ય હાથ ધરાયું છે. આ માટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાની અંડરવોટર વિંગની પણ રચના કરાઈ છે. કેન્દ્ર સરકારની ભવિષ્યમાં આ સંશોધનોને નરી આંખે જોઈ શકાય તેવી પણ યોજના છે અને તે દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે.
દ્વારકા ખાતે આર્કિલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિભાગના વડા આલોક ત્રિપાઠીએ હાલમાં ચાલી રહેલા સંશોધન કાર્યની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દ્વારકા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું સ્થળ છે. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો દ્વારા એક સદીથી વધુ સમયથી આ વિસ્તારમાં સંશોધન કાર્ય કરાઈ રહ્યું છે. એએસઆઇ દ્વારા વર્ષ 1979માં સંશોધન કાર્યની શરૂઆત કરાઈ હતી, ત્યારબાદ 2005થી 2007 સુધી જમીન, પાણી અને સંબંધિત વિભાગોમાં સંશોધન કાર્ય હાથ ધરાયું હતું. આ દરમિયાન વિભાગે 2 નોટિકલ માઇલ બાય 1 નોટિકલ માઇલના વિશાળ વિસ્તારમાં સરવે હાથ ધર્યો હતો, પરંતુ મર્યાદિત સમય અને સંસાધનોને કારણે 50 મીટર બાય 50 મીટરના ચોક્કસ વિસ્તારમાં જ ખોદકામ કરાયું હતું.
તેમણે કહ્યું કે, સરકાર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્ય હાથ ધરાશે. આ માટે એએસઆઇ દ્વારા અંડર વોટર આર્કિયોલોજિકલ વિંગની રચના કરાઈ છે, જેમાં આર્કિયોલોજિકલ વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં નવો સરવે હાથ ધરાઈ રહ્યો છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના ઐતિહાસિક મહત્ત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો છે.
પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે થોડા સમય પહેલાં અને હાલમાં પણ ડાઇવિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલમાં ત્રણ ટીમો કાર્યરત્ છે, જેમાં બે ટીમ બેટ દ્વારકામાં અને એક ટીમ દ્વારકામાં કામ કરી રહી છે.

