અંકલેશ્વરઃ રાજપીપળામાં 29 માર્ચથી નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો. સંત સાંવરિયા મહારાજ, સાધુસંતો અને પરિક્રમાર્થીઓએ માતા રેવાનાં દર્શન કરી, પુષ્પ અર્પણ અને દીપપ્રાગટ્ય સાથે આ આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
કલેક્ટર એસ.કે. મોદીના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓની સુવિધા માટે મજબૂત બ્રિજ બનાવાયો છે. ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ બોટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સખીમંડળની બહેનોને ઓર્ગેનિક ફૂડ અને અન્ય વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ માહિતી આપી કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને 24 કલાક કંટ્રોલરૂમ પણ કાર્યરત્ કરાયો છે. તિલકવાડા-શહેરાવ ઘાટ પર કામચલાઉ બ્રિજ અને રીંગણ-રામપુરા ઘાટ વચ્ચે બોટની વ્યવસ્થા કરાઈ છે. આકસ્મિક સંજોગો માટે સ્પીડ બોટ્સ પણ તહેનાત કરાઈ છે.
પરિક્રમા દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા, હેલ્થ ટીમ અને 24x7 પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઈ છે. ચારેય ઘાટ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને પીએસઆઇ રેન્કના જવાનો તહેનાત કરાયા છે. સ્વચ્છતા જાળવણી માટે પણ વિશેષ આયોજન કરાયું છે.
હાંસોટના વમલેશ્વર ખાતે જેટીનું લોકાર્પણઃ પરિક્રમાવાસીઓને કાદવમાં ચાલવું નહીં પડે
મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ હાંસોટના વમલેશ્વરમાં રૂ. 21 કરોડથી વધુના ખર્ચે બનેલી જેટીનું શુક્રવારે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ લોકાર્પણ કર્યું. દરવર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે. દર વર્ષે 2થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે. અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે.