જૂનાગઢઃ પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસે ગીરસફારીની મુલાકાત લીધા પછી અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. વડાપ્રધાનની મુલાકાત પહેલાના 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી. જે મુલાકાત પછીના 20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8 ટકાનો વધારો દર્શાવે છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કાળમાં ગીરમાં ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેઇન શરૂ કરાયું હતું.

