મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી ગુજરાતના નિકાસકારો ચિંતામાં

Wednesday 02nd April 2025 05:09 EDT
 
 

અમદાવાદઃ મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારતના નિકાસકારો અને ગુજરાતના નિકાસકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતનો ફાર્મા, ટેક્સ્ટાઇલ્સ અને કેમિકલ ઉદ્યોગ આ બંને દેશો સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધો ધરાવે છે અને કરોડો રૂપિયાના ઉત્પાદનની નિકાસ કરે છે. આ બંને દેશોમાં ભૂકંપ આવવાથી ઇન્ફાસ્ટ્રક્ચર અને સંદેશા વ્યવહારની વ્યવસ્થા પડી ભાંગી હોવાથી આગામી સમયમાં આ દેશોમાં થતી નિકાસ તો ખોરંભે પડશે જ, સાથેસાથે નિકાસકારોને બાકી પેમેન્ટ મેળવવામાં પણ અવરોધ ઊભો થશે. ગુજરાતના નિકાસકારો દાયકાઓથી આ બંને દેશોમાં નિકાસ કરી રહ્યા છે.
ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતનો એકલો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ જ આ દેશોમાં વર્ષે આશરે રૂ. 600 કરોડના ગાર્મેન્ટ અને ગ્રે ફેબ્રિકની નિકાસ કરે છે. રાજ્યના ફાર્મા ઉદ્યોગ દ્વારા આ દેશોમાં કરવામાં આવતી નિકાસનો આંકડો તો આનાથી પણ મોટો, એટલે કે રૂ. 2,100 કરોડ જેટલો છે. કેમિકલ ક્ષેત્રની વાર્ષિક નિકાસનો આંકડો રૂ. 100 કરોડ, જ્યારે ટિમ્બર સહિતના ઉદ્યોગના નિકાસનો આંકડો રૂ. 150 કરોડ થવા જાય છે. એટલે કે આ દેશોમાં કુલ નિકાસનો આંકડો રૂ. 2950 કરોડથી વધુ છે.


comments powered by Disqus