મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતના પીએમ મોદીના આમંત્રણને સ્વીકારીને ભારત આવી રહ્યા છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે, પુતિનના ભારત પ્રવાસની તડામાર તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે હવે ભારત આવવાનો અમારો વારો છે. રશિયાની આંતરરાષ્ટ્રીય બાબતોની પરિષદ (RIAC) દ્વારા આયોજિત રશિયા અને ભારત એક નવા દ્વિપક્ષીય એજન્ડા તરફ આગળ વધી રહ્યા છે. સંમેલનમાં લાવરોવે કહ્યું હતું કે પુતિનના ભારત પ્રવાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે. TASS દ્વારા કહેવામાં આવ્યું હતું કે પુતિને ભારતનાં પીએમના આમંત્રણને સ્વીકાર્યું છે, જેની તૈયારીઓ ચાલી રહી છે.
ગયા વર્ષે ફરી ચૂંટાયા પછી પીએમ મોદીએ પહેલી વિદેશ યાત્રા રશિયાની કરી હતી. હવે અમારો વારો છે. જો કે પુતિનના ભારત પ્રવાસની તારીખો હજી નક્કી થઈ નથી પણ વહેલી તકે તેને અંતિમ સ્વરૂપ અપાશે. પ્રધાનમંત્રી મોદીએ જુલાઈ 2024માં રશિયાનો પ્રવાસ કર્યો હતો. જે પાંચ વર્ષમાં તેમનો પહેલો પ્રવાસ હતો. આ અગાઉ 2019માં એક આર્થિક સંમેલનમાં ભાગ લેવા તેઓ રશિયાનાં વ્લાદિવોસ્તોક આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ તેમના ગયા પ્રવાસમાં પુતિનને ભારતના પ્રવાસે આવવા આમંત્રણ આપ્યું હતું.
લાવરોવે કહ્યું કે, રશિયા ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવી રહ્યું છે. રશિયા હવે ચીન, ભારત. ઇરાન, ઉત્તર કોરિયા અને રાષ્ટ્રમંડળનાં દેશો સાથે સંબંધો વિકસાવી રહ્યું છે. ચીન સાથે વ્યાપક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગ અભૂતપૂર્વ સ્તરે છે, જે પરસ્પર વિશ્વાસનો દાવો કરે છે.