નાગપુરઃ પીએમ નરેન્દ્ર મોદીએ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. લગભગ 24 વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા. આ પહેલાં અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ 2000એ ડો. હેડગેવાર સ્મૃતિમંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ.ને શ્રદ્ધાંજલિ આપી. ગોલવલકરના સ્મારકો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે સંઘની પ્રશંસા કરી. મોદી છેલ્લે જુલાઈ 2013 એ RSS મુખ્યાલયની મુલાકાત લીધી હતી.
સ્વયંસેવકોનું નિઃસ્વાર્થ કામઃ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંઘના સંગઠન, સમર્પણ અને સેવાનો સંગમ વિકસિત ભારતને ઊર્જા પ્રદાન કરતો રહેશે. સેવા વ્યક્તિના સ્વભાવનો ભાગ બને, ત્યારે સાધના બને છે. સેવા, સંસ્કાર, સાધના પેઢી દર પેઢી સ્વયંસેવકોને સેવાની પ્રેરણા આપે છે. સ્વયંસેવકો નિઃસ્વાર્થપણે કામ કરે છે.
શુભ કાર્યો માટે તપસ્યા જરૂરીઃ ભાગવત
આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે, રવિવારે ડોક્ટર સાહેબ હેડગેવારનો જન્મદિવસ છે. બીજો કાર્યક્રમ સંઘના વડા માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ગુરુજીના નામે ચાલી રહેલા સેવા પ્રોજેક્ટને વિસ્તૃત કરવાનો છે. પ્રધાનમંત્રી અહીં છે. આવાં શુભ કાર્યો માટે વ્યક્તિએ તપસ્યા કરવી જ જોઈએ.
ડો. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી
નાગપુરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દીક્ષાભૂમિની મુલાકાત લઈને બાબાસાહેબ આંબેડકરના અસ્થિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, વિકસિત અને સર્વસમાવેશી ભારતનું નિર્માણ દેશના બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ હશે. દીક્ષાભૂમિ ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકો માટે સમાન અધિકારો અને ન્યાયની વ્યવસ્થા સાથે આગળ વધવા માટે લોકોને ઊર્જા આપે છે.