નવી દિલ્હીઃ ભારતે 156 સ્વદેશી પ્રચંડ હેલિકોપ્ટર્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે. જે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ) છે. સુરક્ષા અધિકારીના આધાર સાથેના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો સુરક્ષા સોદો છે, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. શુક્રવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા મંત્રાલયે ચાલુ નાણાવર્ષમાં રૂ. 2.09 લાખ કરોડ કરતાં વધારેના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ખરીદીથી સુરક્ષાના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા વધશે. એટલું જ નહીં, હથિયારોના સ્વદેશીકરણને પણ પ્રોત્સાહન મળશે. અત્યાર સુધીમાં એચએએલએ 15 પ્રચંડ હેલિકોપ્ટર બનાવ્યાં છે, જેમાંથી ભારતીય વાયુસેનામાં 10 અને ભૂમિદળમાં 5 એલસીએચ પ્રચંડ સામેલ છે. એલસીએચ પ્રચંડમાં બે લોકો બેસી શકે છે. આ હેલિકોપ્ટર 15.5 ફૂટ ઊંચું છે. સમગ્ર સૈન્ય સામગ્રી સહિત તેનું વજન 5,800 કિલો છે. તેમાં 700 કિલો હથિયાર લગાવી શકાય છે.
અપાચે અને એએચ-1ઝેડ વાઈપર કિંમતની દૃષ્ટિએ મોંઘાં
સુરક્ષા નિષ્ણાત અને સેનાના રિટાયર્ડ અધિકારી વત્સ રોહિતે જણાવ્યું કે, એમાં કશી શંકા નથી કે એલસીએચ પ્રચંડના સૌથી મોટા હરીફ શક્તિશાળી યુએસ અપાચે અને એએચ-1ઝેડ વાઇપર જેવા પારંપરિક હેલિકોપ્ટર છે, પરંતુ અપાચે (30 મિલિયન ડોલરથી વધારે) અને એએચ-1ઝેડ વાઇપર (20 મિલિયન ડોલર કરતાં વધુ)ની મોંઘી કિંમતની સાથે જ અમેરિકાની વિદેશનીતિના કારણે નિકાસ પરની મર્યાદાઓના કારણે તેને પ્રાપ્ત કરવાં સરળ નથી.