પાટણઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર પાસે અદ્યતન સિટીનું નિર્માણ કરાયું છે, જેમાં દેશ-વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓ આવી રહી છે. ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટી પણ કાર્યરત્ છે, ત્યારે યુનિવર્સિટીઓને યોગ્ય પ્રમાણમાં જગ્યા મળી રહે તે હેતુસર સરકાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે 2013 એકર જમીન પર નવી ગિફ્ટ સિટી સ્થાપશે.
સાબરમતી નદીકિનારે આવેલાં પ્રાંતિજ સહિત વાઘપુર, સાંપડ અને સાદોલિયાની સરકારી જમીન આગામી દિવસોમાં ગિફ્ટ સિટીને સોંપવા આયોજન કરાયું છે. 2 હજાર એકરથી વધુની જમીનથી સાંપડ અને વાઘપુરની 1866 એકર જમીનની માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. કેટલાક કિસ્સામાં ગૌચરની જમીનના પ્રશ્ન હોવાથી સુધારાઅર્થે રાખવામાં આવેલ છે, જ્યારે પ્રાંતિજ અને સાંદોલિયાની જમીન માપણી આગામી સમયમાં કરાશે.
પૂર્વ સાંસદની જમીન આ જ વિસ્તારમાં
સાબરકાંઠાના ભૂતપૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડનું વાઘપુર ખાતે આલીશાન ઘર અને સાંપડ ખાતેની જમીન નવી ગિફ્ટ સિટીના વિસ્તારમાં જ આવેલાં છે, જે અગાઉથી જ તેમના નામે છે. જો કે ગિફ્ટ સિટી ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં રાજકીય માથાંએ અગાઉથી જ રોકાણ કરી દીધું હતું તેમ પ્રાંતિજ પાસેના વિસ્તારમાં પણ અન્ય રાજકીય આગેવાનોએ રોકાણ કરી દીધું હોવાની ચર્ચા છે.
200 એકર માટે માગ
ગિફ્ટ સિટીના એજ્યુકેશન ઝોનની પ્રાંતિજ અને સાંદોલિયા સ્થિતિ 200 એકરથી વધારે જગ્યા માટે પીડબલ્યુ ફાઉન્ડેશન દ્વારા માંગણી કરાઈ છે. સરકારકક્ષાથી માગણી હજુ પડતર છે, શૈક્ષણિક સંસ્થાઓ માટે આરક્ષિત કરેલી આ જગ્યામાં અન્ય વિદેશી યુનિવર્સિટીઓ પણ સ્થપાશે.