અમદાવાદઃ વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલમેટ ન પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ. 10 લાખનો મેમો ફટકાર્યો છે. 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે. 11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાની ટુવ્હીલર લઇને જતો હતો. ત્યારે ટ્રાફિક પોલીસે ઊભો રાખીને લાઇસન્સ માંગ્યું હતું. જે લાઇસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો. ત્યારે થોડે દૂર થતાં જ તેના મોબાઇલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ મેમોનો મેસેજ આવ્યો હતો.
યુવકનું કહેવું છે કે, એ વખતે મને ટ્રાફિક પોલીસે મેમો અંગે વાત કરી નહોતી અને મને કાંઇ કીધું નહોતું.
જો તેમણે મને એ વખતે જ જાણ કરી હતો તો હું ત્યાં જ દંડ ભરી દેતો. જેથી કરીને છેલ્લા 11 મહિનાથી હું કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છું. તે મારે ખાવા ના પડત અને હાલાકીમાંથી છુૂટકારો મળત.
આ મેમોને લઈને ઘીકાંટા ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં ગયો હતો પણ કોઈ જવાબ મળતો નથી. ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમોનો કોઈ નિકાલ આવતો નથી, જેના કારણે હું અને મારો પરિવાર સતત ચિંતામાં રહીએ છીએ.
મંગળવારે અનિલ તેના પિતા સાથે પોલીસ કમિશનરની કચેરીએ ગયો હતો. પોલીસ કમિશનર મળ્યા નહોતા, પરંતુ તેમની જગ્યાએ ટ્રાફિકના મેમો અંગેની કામગીરી કરતા અધિકારી મળ્યા હતા. એમણે કહેલું કે, આટલી મોટી રકમનો દંડ ના આવે, પરંતુ તમારો મામલો કોર્ટમાં ગયો છે, એટલે તમારે કોર્ટમાં જવું પડશે.