આણંદઃ દેશની સૌપ્રથમ સહકારી ક્ષેત્રના અભ્યાસક્રમો માટેની ત્રિભોવન સહકાર યુનિવર્સિટીનું નિર્માણ આણંદ ગોપાલપુરા રોડ પર આવેલી વાલ્મીવાળી સરકારી જમીનમાં કરાશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા વાલ્મીની 119 એકર જમીન ફાળવાઈ છે, જેનું ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે.
આણંદ જિલ્લા સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ અગ્રેસર સહકારી ધોરણે ચાલતી અમૂલ ડેરીને રોલ મોડલ બનાવી દેશનાં વિવિધ રાજ્યમાં સહકારી ક્ષેત્રે વિવિધ મંડળી ઊભી કરીને વિકાસની સાથે રોજગારીની તક ઊભી કરવા કેન્દ્ર સરકારે નવો અભિગમ અપનાવ્યો છે. જેને ધ્યાને લઈ સહકારી ક્ષેત્રના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામે દેશની સૌપ્રથમ સહકારી ક્ષેત્રના અભ્યાસક્રમો માટે યુનિવર્સિટીનું નિર્માણ કરાશે, જે અંગે ગૃહમંત્રી અમિત શાહ અગાઉ વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી ચૂક્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના આણંદ પ્રવાસે આવશે. તે દરમિયાન અમૂલ ડેરીના કાર્યક્રમ, ઇરમા, એનડીડીબી સહિત અન્ય જગ્યાની મુલાકાત લેશે. જો કે રાજકીય આગેવાનોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહે આગામી ઓગસ્ટમાં યોજાનારી અમૂલ ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે કેટલાક સભાસદો સાથે બેઠક કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.