કૃપાળુ હરિ મુજ આંગણે, નયન નીરખે જગન્નાથને

Wednesday 02nd July 2025 06:05 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ ખાતેથી પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા રંગેચંગે નીકળી હતી. આ વખતે સૌપ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યાથી ભક્તોની ભીડ મંદિરમાં ઊમટી પડી હતી. મંગળાઆરતી પછી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળાઆરતી માટે પહોંચ્યા હતા. ત્યારબાદ પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દવિધિ કરી હતી. આ રથયાત્રામાં 17 હાથી, ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવાતી 101 ટ્રક, 30 જેટલા અખાડા અને 18 ભજન ભજનમંડળી જોડાઈ હતી. રથયાત્રામાં દેશભરથી 2500થી વધુ સાધુ-સંતો પણ જોડાયા હતા. રથયાત્રા મોસાળ સરસપુરથી દરિયાપુર વિસ્તારમાં પ્રવેશી ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માર્ગ પર ચાલતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા સતત ચોથી વખત પહિંદ વિધિ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને દરવર્ષે મુખ્યમંત્રી રથની પહિંદ વિધિ સંપન્ન કરીને પ્રસ્થાન કરાવતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતાં સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્યદેવ પણ છે. અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે.
મોસાળ સરસપુરમાં વિશેષ ભંડારો યોજાયો
સરસપુરની વાસણશેરીમાં ભલા ભગતના રણછોડજી મંદિર ખાતે સાધુ-સંતો, મહંતો સહિત સૌકોઈ શ્રદ્ધાળુઓ માટે જાહેર ભંડારો યોજાયો હતો. વાસણ શેરીમાં રથયાત્રામાં આવેલા તમામ ભક્તજનો માટે પૂરી, બે પ્રકારનાં શાક, દાળ-ભાત, બૂંદી અને ફૂલવડીનું મનભાવન ભોજન પીરસાયું હતું. હજારો સાધુ-સંતો ભંડારામાં ભોજન-પ્રસાદી પામી ભારે તૃપ્ત થયા હતા. આ પ્રસંગે સનાતન ધર્મની પરંપરા મુજબ સાધુ-સંતો, સખીઓનું વિશેષ સન્માન પણ કરાયું હતું.
DJના ઘોંઘાટથી હાથી વીફરતાં ભાગદોડ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા રંગેચંગે આગળ ધપી રહી હતી, ત્યારે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ખાડિયા ગેટ વિસ્તારથી પસાર થઈ રહેલા ત્રણ હાથી બેકાબૂ બનતાં રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભક્તોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી.જે. અને સિસોટીના અવાજથી ભડકેલા હાથી બેરિકેડ તોડી સીધા ખાડિયા બાલા હનુમાન તરફ ધસી જતાં લોકો જીવ બચાવવા દોડતા નજરે પડ્યા હતા. ભાગદોડના કારણે પડી જવાથી 5 લોકો ઘાયલ થયા હતા. બેકાબૂ બનેલા હાથી બાબુને વનતારાની ટીમ દ્વારા શિફ્ટ કરાયો હતો.
ભગવાનની નજર ઉતારી સ્થાપના
જગન્નાથ મંદિરથી નીકળેલી 148મી રથયાત્રા પૂર્ણ થઈ છે. રથયાત્રા બાદ ભગવાન મંદિરના પ્રાંગણમાં રાતવાસો કરે છે, જેને પગલે શનિવારે સવારે શુભમુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજીનું ગર્ભગૃહમાં સ્થાપન કરાયું હતું. આ પૂર્વે વહેલી સવારે પ્રાંગણમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની નજર ઉતારાઈ હતી, જે બાદ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઉતારાઈ હતી. જે બાદ વાજતેગાજતે ભગવાનનો મંદિરમાં ગૃહપ્રવેશ કરાવાયો હતો, જે બાદ પૂજનવિધિ કરી રાજભોગ આરતી કરાઈ હતી.


comments powered by Disqus