ગાંધીધામ: કચ્છના ગાંધીધામની વિદ્યાર્થિનીએ કેનેડામાં ધો.12માં નોંધનીય પ્રદર્શન કરીને હાઇએસ્ટ ઓનર્સ સ્કોલરશિપ મેળવવાની સિદ્ધિ મેળવી. ગાંધીધામને વર્ષો સુધી કર્મભૂમિ બનાવનારા મનીષભાઈ ચૌહાણ અને ગાંધીધામની સેવાકીય સંસ્થા વિંગ્સ ગ્રૂપનો પાયો નાખનારાં છાયાબેન ચૌહાણનાં પુત્રી પ્રાંજલિએ ધો. 9 સુધી ગાંધીધામમાં અભ્યાસ કર્યો હતો. આ વિદ્યાર્થિની સિડની, નોવા સ્કોશિયામાં સિડીની એકેડેમીમાં ધો.12માં 90 ટકા સાથે ઉત્તીર્ણ થઈ હતી, જે બાદ તેનું હાઇએસ્ટ ઓનર્સ શિષ્યવૃત્તિ સાથે સન્માન કરાયું હતું. શરૂઆતના તબક્કામાં આંતરરાષ્ટ્રીય કક્ષા કેનેડામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તાલમેલ મેળવવો આ છાત્રા માટે પડકારરૂપ હતું, જો કે બાદમાં મહેનતના અંતે તેમણે ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું. આ યુવતીનાં માતા-પિતાએ હાલમાં કેનેડાને પોતાની કર્મભૂમિ બનાવી છે. પ્રાંજલિએ સાઇકોલોજિસ્ટ તરીકે કારકિર્દી બનાવવાની ખેવના વ્યક્ત કરી હતી. મક્કમ મન અને મહેનત સાથે કોઈપણ પરિસ્થિતિથી બહાર આવી શકાય તેવું વિદ્યાર્થિની પ્રાંજલિએ ઉમેર્યું હતું.