શિમલા: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. અનેક લોકો ગુમ હોવાના પણ અહેવાલો છે. એવામાં ચારધામ યાત્રાને 24 કલાક માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. મુસાફરો રસ્તામાં જ ઉતરી જતાં તેમને સલામત સ્થળે ખસેડાયા હતા, જે અંતર્ગત શ્રદ્ધાળુઓને હરિદ્વાર, ઋષિકેશ, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ વગેરે સ્થળોએ રોકી લેવામાં આવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતાં 9 શ્રમિકો પાણીમાં તણાતાં લાપતા થઈ ગયા છે, જ્યારે બે લોકોના મોત નીપજ્યાં છે. આ ઘટના બાદ ચારધામ યાત્રાને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે ગુમ થયેલા શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે.
શનિવારે મોડીરાત્રે બારકોટ-યમુનોત્રી રોડ પર વાદળ ફાટ્યું હતું, જેને કારણે એક હોટેલમાં બાંધકામ કરી રહેલા 9 શ્રમિકો તણાયા હતા, તેઓની હાલ કોઇ જ ભાળ નથી મળી રહી, જિલ્લા રેસ્ક્યૂ ટીમ હાલ તેમની શોધખોળ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે વાદળ ફાટતાં લોકોએ સલામત સ્થળે જ રહેવું.
મંડીમાં વાદળ ફાટતાં 4 મોત, 16 લાપતા
મંગળવારે અતિશય ભારે વરસાદ અને વાદળ ફાટવાથી હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે તબાહી સર્જાઈ. આ ભારે વરસાદમાં મંડી જિલ્લામાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 16 લોકો લાપતા થયા છે. અત્યાર સુધીમાં જાનમાલને ભારે નુકસાન થયું છે.