અમદાવાદઃ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ગુજરાતની કંપનીઓ લીડ કરી રહી છે, ત્યારે દેશની દિગ્ગજ ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કેકેઆર પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો રૂ. 25,689 કરોડમાં હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. આ બંને કંપનીનું મર્જર થશે. આ કરાર ટોરેન્ટના ભવિષ્ય માટે તૈયાર તેમજ વૈવિધ્યસભર હેલ્થકેર પ્લેટફોર્મ તૈયાર કરવાની મહત્ત્વાકાંક્ષામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે, જે કરાર નિયમનકારી મંજૂરીને આધીન રહેશે.
કરારને બે તબક્કામાં પૂરો કરવામાં આવશે, જેમાં પહેલા તબક્કામાં રૂ. 11,917 કરોડ (શેરદીઠ રૂ. 1600)ના ભાવે શેર પરચેઝ એગ્રિમેન્ટ મારફતે 46.39 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા રહેશે.
આ જોડાણ અમારા ધ્યેયને આગળ ધપાવશે
ટોરેન્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન સમીર મહેતાએ કહ્યું કે, આ જોડાણ ભારતના ફાર્મા માર્કેટમાં ટોરેન્ટની હાજરીને મજબૂત બનાવવા અને વૈવિધ્યસભર વૈશ્વિક હાજરી બનાવવાના અમારા ધ્યેયને આગળ ધપાવે છે. વધુમાં CDMO પ્લેટફોર્મ ટોરેન્ટ માટે વૃદ્ધિનો એક નવો લાંબા ગાળાનો માર્ગ પણ પૂરો પાડે છે.
ટોપ-3 કંપનીઓમાં ટોરેન્ટ ફાર્મા
દેશમાં ફાર્મા સેક્ટરમાં ગુજરાતની કંપનીઓ લીડ કરી રહી છે ત્યારે ટોરેન્ટ ફાર્માએ ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. વેલ્યુએશનમાં ટોચના સ્થાને સનફાર્મા રૂ. 4.5 લાખ કરોડ સાથે પહેલા ક્રમે, બીજા ક્રમે ડિવિસ લેબોરેટરીઝ રૂ. 1.77 લાખ કરોડ અને ટોરેન્ટ ફાર્મા આ એક્વિઝિશન મળીને કુલ રૂ. 1.39 લાખ કરોડે પહોંચશે.