વઘઈ તાલુકામાં આવેલો ગિરા ધોધ હાલ વરસાદી માહોલના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ ગિરાધોધ સોળેકળાએ ખીલી ઊઠ્યો છે, જેનાં મનમોહક દૃશ્યો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. નદીના પથ્થરોની ભેખડોની ઊંચાઈ પરથી નીચે પડતાં પાણીનાં અદભુત દૃશ્યો અને તેની આસપાસની લીલોતરી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતભરથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આસપાસના મહારાષ્ટ્રના વિસ્તારોથી લોકો પરિવાર અને મિત્રો સાથે ગિરા ધોધની મુલાકાત લેવા આવી રહ્યા છે.