વેરાવળઃ અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્થિવિસર્જન શુક્રવારે 27 જૂને પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરવામાં આવ્યાં. અંતિમક્રિયાના નવમા દિવસે રૂપાણી પરિવાર પ્રભાસ તીર્થ પહોંચ્યો હતો. શારદામઠ ખાતે સોમપુરા તીર્થ પુરોહિત ડો. વિક્રાંત પાઠકે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિપૂજન કર્યું. આ પ્રસંગે દિવંગતના પુત્ર વૃષભ, પત્ની અંજલિબહેન, પુત્રી રાધિકા, પુત્રવધૂ, પૌત્રી અને ભત્રીજાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થળે અસ્થિવિસર્જન દરમિયાન વૃષભ અને પુત્રી રાધિકા અને પુત્રવધૂ ભાવુક બન્યાં હતાં. વિસર્જન બાદ વૃષભ માતાને ભેટીને રડી પડ્યા હતા.