મહેસાણાઃ એશિયાની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીની શુક્રવારે યોજાયેલી બોર્ડ મીટિંગમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ સાથે લાફાવાળી થઈ હતી. યોગેશ પટેલ દ્વારા પોલીસમાં અપાયેલી અરજી મુજબ શુક્રવારે ડેરીની નિયામક મંડળની સવારે 11 વાગ્યે મળેલી બેઠકમાં ઇન્ચાર્જ એમડીએ હાજર રહેવા જણાવતાં તેઓ હાજર હતા. મીટિંગમાં તેમણે ઇન્ચાર્જ એમડીને કેટલાક વહીવટીય પ્રશ્ન પૂછતાં ચેરમેન અશોક ભાવસંગભાઈ ચૌધરી તેમની તરફ ધસી આવ્યા હતા અને તેમને થપ્પડો મારી હતી, જે અંતર્ગત સોનાની ચેઇન તૂટી ગઈ હતી અને ચશ્માં પણ તૂટી ગયાં હતાં. બીજા ડિરેક્ટર દિલીપભાઈ ચૌધરીએ પણ ચેરમેનના ટેકામાં અપશબ્દો કહ્યા હતા.