મહેસાણાઃ પંચાયતોની ચૂંટણી પૂરી થઈ છે, ત્યારે મહેસાણાના બે ગામની પંચાયત ચૂંટણીમાં ચુંટાયેલા બે સરપંચ ચર્ચામાં આવ્યા છે. બહુચરાજી આર્ટ્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 22 વર્ષીય કિંજલબા સોલંકી દેલપુરા ગ્રામ પંચાયતના સરપંચપદે 251 મતથી ચૂંટાયાં છે. કિંજલબા બહુચરાજીના સૌથી નાની વયે ચુંટાયેલાં સરપંચ છે. તેમના સસરા લક્ષ્મણસિંહ સોલંકી બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી છે. તેમણે જ દીકરીસમાન પુત્રવધૂને અભ્યાસ ચાલુ રખાવ્યો અને રાજકારણમાં આવીને સમાજસેવા કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
બીજી તરફ મહેસાણાના પઢારિયા ગામે ભારે રસાકસી સર્જાઈ હતી. અહીં ચુંટાયેલા સરપંચ રતનસિંહ ચાવડા માત્ર એક મતે વિજેતા જાહેર થયા છે. છેલ્લી ઘડી સુધી ચાલેલી રસાકસીભરી મતગણતરી બાદ રતનસિંહ વિજેતા જાહેર થતાં તેમના સમર્થકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
24 વર્ષનાં સરપંચ ખુશાલીબહેન રબારી શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ અપાવશે
મહેસાણાઃ વિસનગરના કડા ગામના નવા ચૂંટાયેલાં સરપંચ માત્ર 24 વર્ષનાં ખુશાલીબહેન રબારી છે. તેઓ હાલ નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. આ અંગે ખુશાલીબહેને જણાવ્યું કે, નર્સિંગ બાદ વિદેશમાં કામ કરવાની ઘણી તકો હોય છે, પરંતુ મોદીસાહેબને જોયા ત્યારથી રાજકીય ક્ષેત્રમાં રસ પડવા લાગ્યો હતો. હવે ગ્રામજનોના આશીર્વાદથી મને સેવાની આ તક મળી છે, તો અમારા ગામને વધુ વિકસિત કરવા કામ કરીશ. ખુશાલીબેને ગ્રામ પંચાયત ચૂંટણીમાં 1320ની જંગી લીડથી જીત મેળવી છે. હવે તેઓ ગામમાં પાયાની સુવિધામાં વધારો કરીને તેમજ અન્ય વિકાસકાર્યોથી ગ્રામજનોની સેવા કરવા તત્પર છે.