ઇન્દોર: મધ્યપ્રદેશની ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (IMC) દ્વારા તાજેતરમાં દરેક ઘરને ક્યૂઆર કૉડ સાથેનું ડિજિટલ એડ્રેસ આપવાનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ઈન્દોર એવું પહેલું સ્માર્ટ સિટી છે કે જ્યાં આ પ્રકારનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. સુદામાનગરના વોર્ડ નંબર 82થી આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. શહેરના દરેક ઘરને ક્યૂઆર કૉડ સાથેનાં ડિજિટલ નંબર અને એડ્રેસ આપવામાં આવશે અને તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલી ડિજિટલ પ્લેટને દરેક ઘરની બહાર લગાવવામાં આવશે. રવિવારે આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે.