પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 મૃતદેહો સોંપાયા

Wednesday 02nd July 2025 06:05 EDT
 
 

અમદાવાદઃ 12 જૂન અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના 16મા દિવસે મૃતકોનાં DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ. AIના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યાર સુધી પ્લેનમાં સવાર 241 પેસેન્જર અને ક્રૂ ઉપરાંત 19 નોન-પેસેન્જરનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં સવાર તમામ મુસાફરના મૃતદેહ પરિવારને સોંપી દેવાયા છે. સોંપાયેલા 260 મૃતદેહ પૈકી 254 મૃતદેહ ડીએનએ દ્વારા મેચ કરાયા હતા, જ્યારે 6 મૃતદેહની ઓળખ થાય તેમ હોવાથી પહેલાં જ પરિવારને સોંપવામાં આવ્યા હતા. બીજી તરફ હાલમાં 4 દર્દી સારવાર હેઠળ છે.
બ્લેક બોક્સથી ડેટા મેળવવામાં સફળતા
પ્લેનક્રેશને બે સપ્તાહ પૂરા થયા છે. આ પ્લેનક્રેશ કેવી રીતે થયું તે જાણવા માટે પ્લેનના બ્લેક બોક્સનું એરક્રાફ્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)ની લેબમાં એનાલિસીસ કરવામાં આવ્યું. જે પૈકી કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરથી ડેટા લઈને તેના વિશ્લેષણની કામગીરી ચાલી રહી છે. હવે પ્લેનક્રેશ થવાના કારણની દિશામાં મોટી સફળતા મળી છે. બ્લેક બોક્સ ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ અને મેમરી મોડ્યુલનો ડેટા એએઆઇબીની લેબમાં સફળતાપૂર્વક મેળવી શકાયો છે, જેને ડાઉનલોડ કરવામાં આવ્યો છે.
દુર્ઘટનાના બીજા દિવસે એટલે કે 13 જૂને નિષ્ણાતોની એક ખાસ ટીમ બનાવાઈ હતી. જેમાં એએઆઇબીના ડિરેક્ટર, એટીસી અધિકારી, રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડના પ્રતિનિધિ સામેલ છે. 24 જૂનના ફ્રન્ટ બ્લેક બોક્સ ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત 25 જૂને મેમરી મોડ્યુલનું સફળતાપૂર્વક એક્સેસ કરાયું હતું.
હાલમાં સીવીઆર અને એફડીઆર ડેટાનું વિશ્લેષણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રયાસોનો હેતુ દુર્ઘટનાનું કારણ જાણવા ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની તકેદારી રાખવાનો હોય છે. કોકપિટ વોઈસ રેકોર્ડર પાઇલટની વાતચીત અને કોકપિટના અન્ય ઓડિયોને રેકોર્ડ કરે છે. બીજી તરફ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં ફ્લાઇટની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, કંટ્રોલ સેટિંગ્સની વિગત નોંધાતી હોય છે.
ફ્લાઈટ તોડી પડાયાની શક્યતાની પણ તપાસ
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઇ-171 એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તૂટી પડી હતી. વિમાન અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે ત્યારે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે, વિમાન અકસ્માતની તમામ પાસાંથી તપાસ થઈ રહી છે. વિમાન ભાંગફોડના કારણે તૂટી પડ્યું કે કેમ તે એન્ગલથી પણ તપાસ થઈ રહી છે. દુનિયાના સૌથી ભયાનક વિમાન અકસ્માતો પૈકી એકમાં 241 પ્રવાસી સહિત 270થી વધુનાં મોત થયાં હતાં.
તપાસમાં UN એજન્સી ICAO પણ સામેલ
અમદાવાદમાં ગત 12 જૂને થયેલા ભીષણ વિમાન અકસ્માતની તપાસમાં હવે સંયુક્ત રાષ્ટ્રની એવિએશન સંસ્થા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICO)ના એક એક્સપર્ટને સામેલ કરાયા છે. અહેવાલો અનુસાર ભારતે આઇસીઓના એક્સપર્ટને તપાસમાં ઓબ્ઝર્વર તરીકે સામેલ થવાને મંજૂરી આપી છે.
નષ્ટ એન્જિન એરપોર્ટ ખસેડાયું
અમદાવાદમાં એરઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ સોમવારે વિમાનના નષ્ટ થઈ ગયેલા એન્જિનને ટ્રકમાં નાખીને એરપોર્ટ ખસેડાયું હતું. નિષ્ણાતો પ્લેનના અવશેષોને જોડી અકસ્માતનું કારણ જાણશે અને તારણ પર પહોંચશે.


comments powered by Disqus