જૂનાગઢઃ વિસાવદરના નવા ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં એકરાર કર્યો હતો કે તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. આ ઘટસ્ફોટથી ભાજપની શિર્ષસ્થ નેતાગીરીમાં પોતાના પક્ષના અસંતુષ્ટો મુદ્દે હડકંપ મચી ગયો છે.
ભાજપે કરી મદદ
ઇટાલિયાએ ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, ‘ચૂંટણીમાં મને ભાજપના ઘણા સારા લોકોએ પણ મદદ કરી, કારણ કે ભાજપના લોકો પણ જાણતા હતા કે કયો માણસ કેવો છે અને કોણ કેવી વિચારધારા ધરાવે છે. આ સાથે સરકારી તંત્રમાં રહેલા નાના-નાના અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે. ઘણા સરકારી કર્મચારીઓએ મારા તરફી કે બીજાના વિરોધમાં નહીં, પરંતુ બંધારણને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ બજાવી છે તે ખૂબ જ સારી બાબત છે. મારી જીતમાં આમ આદમી પાર્ટીના લોકો, ભાજપના સારા લોકો સહિત વેપારીઓ, ખેડૂતો અને સારા અને ઇમાનદાર કર્મચારીઓની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.’
પાટીલને આપી હતી ચેલેન્જ
વિસાવદર મત વિસ્તારમાં જીત્યા બાદ આપના ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં કહ્યું કે, ‘વિસાવદરમાં પણ આખું મંત્રીમંડળ, રાજ્ય અને કેન્દ્રકક્ષાના નેતાઓ ગામડાં ખૂંદતા હતા, છતાં પણ કિરીટ પટેલને શરમજનક રીતે હાર આપી પ્રજાએ પોતાની ખીજ ઉતારી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તોડફોડની દુકાન બંધ કરી ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવે અને ત્યારબાદ બોટાદથી ચૂંટણી લડાવે તો સાચી સ્થિતિનો ખ્યાલ આવી જશે. નોંધનીય છે કે, એક વખત ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવવા સી.આર. પાટીલને તેણે ચેલેન્જ આપી હતી.
નામ નહીં કામને મહત્ત્વ
આ સિવાય ઈટાલિયાએ દાવા સાથે કહ્યું હતું કે, ‘નામ નહીં પણ કામને મહત્ત્વ આપી વિસાવદરની પ્રજાનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશ. ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા થઈ રહ્યા છે તે ન થાય તે માટે બેન્ક, સરકારી કચેરી, વનવિભાગ સહિતના સરકારી કચેરીઓના લગતાં કાર્ય એક જ સ્થળે કરી અપાશે. શપથવિધિ બાદ સરકારી બેઠકો અને કચેરીમાં અધિકારીઓને મળી પ્રજા તરફથી મળેલી વિગતો અને લોકપ્રશ્નો અંગે રજૂઆત કરી નિકાલ કરવા કાર્ય કરાશે. આ ઉપરાંત વિસાવદરમાં ચોમાસાના કારણે રસ્તા અને આરોગ્યલક્ષી સમસ્યા, નેનો ખાતર જબરદસ્તીથી ધાબડવામાં આવે છે, દીપડાના ત્રાસ સહિતના મુદ્દે ગ્રાઉન્ડ લેવલના કાર્યો કરવા પ્રાધાન્ય અપાશે.’