ભુજઃ સ્વ. હેમલતાબહેન જગદીશ વરસાણીના આત્મશ્રેયાર્થે અને તેમના જન્મદિવસ નિમિત્તે જગદીશભાઈ દેવશી વરસાણી (યુકે-માધાપર), સૂરજ અક્ષય જગદીશ વરસાણી અને સોનલ જગદીશ વરસાણી તરફથી લાયન્સ હોસ્પિટલને રૂ. 7.50 લાખની કિંમતના ડાયાલિસીસ મશીનની ભેટ અપાઈ હતી. લોકાર્પણ સમારોહ લાયન્સ હોસ્પિટલ ભુજમાં લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન દ્વારા યોજાયો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ, દાતા પરિવાર અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
લાયન્સ ક્લબ ઓફ માધાપરના મંત્રી નરેશ દાવડાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ ડો. ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિથી લોકોને માહિતગાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસીસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 2.10 લાખથી વધુ ફ્રી ડાયાલિસીસ અહીં કરવામાં આવ્યા છે. કચ્છનાં અલગ-અલગ ગામોમાંથી અંદાજે 150 જેટલા દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસીસ કરાવવા આવે છે. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર લાયન મીના મહેતા રહ્યા હતા. લાયન્સના હીરજી વરસાણી, લાયન નવીન મહેતા, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વાડીલાલ ઠાકરાણી, લાયન દિનેશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ અમીરઅલી ખોજા તેમજ કાર્યક્રમનું સંચાલન અભય શાહે કર્યું હતું.