વડાપ્રધાન મોદી બ્રાઝિલ સહિત 5 દેશોના પ્રવાસે

Wednesday 02nd July 2025 06:49 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલન ઉપરાંત ચાર અન્ય દેશોના રાજદ્વારી પ્રવાસ માટે 2 જુલાઈએ રવાના થશે. વિદેશ મંત્રાલયે જાહેર કરેલા વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ પીએમ 2-3 જુલાઈએ ઘાના, 3-4 જુલાઈએ ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, 4-5 જુલાઈએ આર્જેન્ટિના, 5-8 જુલાઈએ બ્રાઝિલ (બ્રિક્સ સંમેલન) અને 9 જુલાઈએ નામીબિયાનો પ્રવાસ ખેડશે.
પીએમ મોદીના આ પ્રવાસનું કેન્દ્રબિંદુ બ્રાઝિલમાં આગામી સપ્તાહે યોજાનારું બ્રિક્સ સંમેલન રહેશે. બ્રિક્સ દેશો વિશ્વના 11 ઊભરતા અર્થતંત્રનો સમૂહ છે, જેમાં વૈશ્વિક વસ્તીના અંદાજે 49.5 ટકા લોકોનો સમાવેશ થાય છે અને જીડીપીનો 40 ટકા અને વૈશ્વિક વેપારમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. બ્રિક્સના મૂળ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન તથા દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ ઉપરાંત 2024માં વિસ્તાર કરીને ગ્રીસ, ઈથોપિયા, ઈરાન તથા યુએઈને સામેલ કરાયા હતા. આ વર્ષે તેમાં ઈન્ડોનેશિયાનો ઉમેરો કરાશે. આગામી વર્ષે બ્રિક્સ સંમેલન ભારતમાં યોજાશે, જેને પગલે વડાપ્રધાન મોદીની આ યાત્રા ઘણી મહત્ત્વની ગણાય છે.


comments powered by Disqus