નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ સરહદે દુશ્મન દેશો પર નજર રાખવા માટે ભારત હવે દેશની સુરક્ષા માટે મદદરૂપ થનારા બાવન સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જે પર સેટેલાઇટ લોન્ચ થવાના છે તેમાંથી 21 સેટેલાઈટની કામગીરી ઈસરો પાસે રહેશે જ્યારે અન્ય સેટેલાઈટ ત્રણ ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરાશે. એપ્રીલ 2026 સુધીમાં આ સેટેલાઇટ્સનો એક હિસ્સો લોન્ચ કરાશે તેવા અહેવાલો છે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ હાલ, આ સેટેલાઇટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્રણ ખાનગી કંપનીઓને કામને ગતિ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઓક્ટોબર 2023માં કેન્દ્રીય કેબિનેટ કમિટી દ્વારા આશરે 26,968 કરોડ રૂપિયાના સ્પેસ બેઝ સર્વેલન્સ (એસબીએસ)ના ત્રીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી હતી. જે સેટેલાઈટ તૈયાર થઈ રહ્યા છે તેને લો અર્થ ઓર્બિટ (એલઇઓ) અને જીઓસ્ટેશનરી ઓર્બિટ (જીઈઓ)માં તૈનાત કરાશે. જેની મદદથી ભારત, ચીન અને પાકિસ્તાન પર નજર રાખી શકાશે.