અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેનેડાએ ઓન્ટેરિયોના હેમિલ્ટન શહેર, એલ્બર્ટા, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તથા ન્યૂ ફાઉન્ડ લેન્ડ અને લેબ્રાડોરમાં યજમાની માટે બીડ કરી હતી. જો કે ઓન્ટારિયોએ યજમાની કરવામાં અસમર્થતા દર્શાવી છે. ઓન્ટારિયોએ રમતોના આયોજન પાછળ બિનજરૂરી ખર્ચ હોવાનું કારણ ધરી હાથ પાછો ખેંચ્યો છે. 1930માં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કેનેડાના હેમિલ્ટનથી જ થઈ હતી.
વર્ષ 2030ના આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરે તેવી તકો વધુ ઊજળી થઈ છે. કેનેડાએ પોતાનાં ચાર રાજ્યમાં આયોજનની સંયુક્ત બીડ મૂકી હતી, પરંતુ નાણાકીય અને અન્ય કારણોસર ઓન્ટારિયો અને એલ્બર્ટા રાજ્યોએ યજમાની માટે અસમર્થતા દર્શાવતાં હવે કેનેડા સ્પર્ધાથી બહાર નીકળી ગયું છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની બીડ પાછી લીધી હતી, તેથી હવે માત્ર ભારતનું અમદાવાદ અને નાઇજિરિયાનું અબુજા જ આખરી સ્પર્ધક રહ્યા છે. 2036ની ઓલિમ્પિક રમતોની યજમાની માટે ભારતની તૈયારી અને ગુજરાતની ઉત્સુકતા અને સજ્જતાને જોતાં આ રમતોનું આયોજન કરવાનો મોકો અમદાવાદને મળી શકે છે.
ઓગસ્ટ મહિનાના આખરી સપ્તાહ સુધી કોમનવેલ્થ ફેડરેશનના અધિકારીઓ ગુજરાત આવીને અહીં રમતોની ઇવેન્ટ યોજવા અમદાવાદની ક્ષમતા ચકાસશે. અમદાવાદને યજમાની મળશે તો કોમનવેલ્થ રમતોના આયોજનનાં સો વર્ષની પૂર્ણાહુતિના આયોજનની પણ અહીં તક રહેશે.
વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ગુજરાતમાં યોજાશે
ગુરુવારે અમેરિકાના અલાબામામાં યોજાયેલી એક બેઠક બાદ ગુજરાતમાં 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાવાની જાહેરાત થઈ છે. દર બે વર્ષે યોજાતી આ રમત સ્પર્ધા ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે એકતાનગરમાં યોજાશે અને 70 કરતાં વધુ દેશોના 10 હજારથી વધુ પોલીસ, ફાયરબ્રિગેડ, કસ્ટમ્સ અને જેલોમાં કામ કરતા કર્મચારીઓ ખેલાડી બનીને ભાગ લેશે.