ગોધરાઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરુ વિશ્વવિદ્યાલયના રૂ. 125 કરોડના ખર્ચે આકાર પામનારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણને વીડિયો સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદથી ગોધરા પહોંચી શક્યા નહોતા. આથી તેમણે આયોજકો, વિશ્વવિદ્યાલયના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને પંચમહાલ જિલ્લાની જનતાની ક્ષમાયાચના કરી વાયદો કર્યો હતો કે હવે પછી તેઓ ખાસ યુનિવર્સિટીની મુલાકાતે આવશે. શાહે વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આજે પંચમહાલના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મહાન ગોવિંદ ગુરુજીના નામે ગુજરાતમાં એક યુનિવર્સિટી બને અને દેશભરના યુવાનોને વિશેષ કરીને આદિવાસી યુવાનો માટે તે પ્રેરણાનું સ્થાન બને તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા.