2002ના તોફાન-હત્યાકેસમાં 9 આરોપી નિર્દોષ મુક્ત

Wednesday 03rd December 2025 05:07 EST
 
 

અમદાવાદઃ ગુજરાતનાં 2002નાં કોમી રમખાણોમાં હત્યાના કેસમાં 9 આરોપીને નિર્દોષ છોડવાના ચુકાદા સામે રાજ્ય સરકારે કરેલી અપીલ હાઇકોર્ટે રદબાતલ કરી છે. આ કેસમાં લઘુમતી કોમના એક ટ્રક ડ્રાઇવરની સળગાવીને હત્યા કરાઈ હતી અને એ મામલે 9 આરોપીને સાબરકાંઠા કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. કોર્ટે નોંધ્યું કે, માત્ર ઘટનાસ્થળે હાજરીથી આરોપીઓ ટોળાનો ભાગ હતા કે તેમણે જ આ કૃત્ય કર્યું છે તે કહી શકાય નહીં.
કેસની વિગત મુજબ વર્ષ 2002માં ગોધરા સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના બાદ ભારત બંધનું એલાન અપાયું હતું અને રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ સમયે મોડાસાના ઇકબાલ બાકરેલિયા કંડક્ટર મોહંમદ સાહિદ સાથે અમદાવાદ નીકળ્યા હતા. તેઓ પ્રાંતિજ પહોંચ્યા, ત્યારે ટોળાએ તેમને રોક્યા હતા. ટોળાએ ટ્રક ડ્રાઇવર પાસે લાઇસન્સ માગ્યું હતું, પરંતુ પરિસ્થિતિ પારખી જઈ ટ્રક ડ્રાઇવર ઇકબાલે ભાગવાની કોશિશ કરી હતી. જો કે તેમાં તે અસફળ રહેતાં ટોળાએ તેને પકડીને માર માર્યો હતો, જેમાં ઇકબાલનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ટ્રક સાથે જ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. કંડક્ટર શાહીદ ભાગવામાં સફળ રહ્યો હતો.


comments powered by Disqus