27 વર્ષના યુવા ઇજનેર સરપંચે ખેરવા ગામની તસવીર બદલી

Wednesday 03rd December 2025 05:07 EST
 
 

કલોલઃ પાટડી તાલુકાનું ખેરવા ગામ યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડારી રહ્યું છે. 27 વર્ષીય સિવિલ એન્જિનિયર સરપંચના નેતૃત્વ હેઠળ ગામમાં માળખાગત સુવિધા અને ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે. આ ગામ ગુજરાત સરકારના ‘ગામડું બને સમૃદ્ધ તો જ રાજ્ય બને સમૃદ્ધ’ના સંકલ્પને મૂર્તિમંત કરે છે. જેમાં સરકારી યોજનાઓનાં ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા સુધીની તમામ પ્રક્રિયા કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરાતી હોવાથી પંચાયત પેપરલેસ બની છે.
ખેરવા ગામના સરપંચ જિજ્ઞેશભાઈ નારાયણભાઈ રાઠોડે ગામની આશરે 3500-4000ની વસ્તીને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર યોજના અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પોતાના રૂ. 4 લાખ ઉમેરી નાળું બનાવ્યું
ખેરવામાં ચોમાસામાં સ્કૂલે જતાં બાળકોની દશા જોઈને યુવા સરપંચે પોતાના રૂ. 4 લાખ ઉમેરી રૂ. 14 લાખના ખર્ચે નાળું બનાવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતની રૂ. 10 લાખની ગ્રાન્ટમાં પોતાના રૂ. 4 લાખ ઉમેરી કુલ રૂ. 14 લાખના ખર્ચે 35 મીટર લાંબું અને 5 મીટર પહોળું નાળું બનાવી સાચા અર્થમાં યુવા સરપંચની ફરજ અદા કરી છે.


comments powered by Disqus