ખંભાળિયામાં 25 એકરમાં રૂ. 100 કરોડના ખર્ચે ઇસરોનું અર્થ સ્ટેશન બનશે

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇસરો-એસએસી દ્વારા લગભગ રૂ. 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવાશે, જે સંભવતઃ આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઈ જશે.
વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને સ્પેસ ટેક્નોલોજીમાં ઇસરો જેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે પણ સ્પેસ ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરી છે, જે દરમિયાન ખંભાળિયામાં ઇસરો દ્વારા 25 એકર જમીનમાં નવુ અર્થ સ્ટેશન બનાવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે 52 સેટેલાઇટ બનાવવાની મંજૂરી આપી છે, જે અંતર્ગત ઇસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ 21 સેટેલાઇટ બનાવી રહ્યું છે.
આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ 31 સેટેલાઇટ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઈ રહ્યાં છે. ઇસરોનો જીઆઇએસએટી-આઇએ સેટેલાઇટ પણ તૈયાર થઈ ગયો છે, જે આગામી સમયમાં જીએસએલવી વ્હીકલ ઉપલબ્ધ થતાં લોન્ચ થશે. આ સેટેલાઇટ 36 હજાર કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસવીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે. આ સેટેલાઇટ બનાવવા 4 વર્ષની સમયમર્યાદા છે, જેમાં 6 મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવે સાડા ત્રણ વર્ષના સમયગાળામાં આ સેટેલાઇટ બની જશે. અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવાયેલી 25 એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ રૂ. 100 કરોડથી વધુના ખર્ચે બનીને આગામી 3-4 વર્ષમાં તૈયાર થઈ જશે.
સોઇલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા શરૂ કરાશે
હાલ સાઇટ પર સોઇલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી માટે પ્રક્રિયાની તજવીજ થઈ રહી છે, જે માટે હવે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક કામો અંગે જરૂરી પ્રક્રિયા ચાલુ કરાશે. આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઇટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ હવામાન, સુરક્ષા અને કૃષિ સહિતનાં અનેક ક્ષેત્રની માહિતી મેળવવા કરાશે.
કેમ આ વિસ્તારની પસંદગી?
સરહદી-દરિયાઈ વિસ્તારથી નજીક હોવાના કારણે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર હોવાથી દેવભૂમિના વડામથક ખંભાળિયાની અર્થ સ્ટેશન માટે પસંદગી થઈ હોવાનું મનાય છે. સેટેલાઇટના ઉપયોગઅર્થે ખંભાળિયાની પસંદગી પાછળ ભૌગોલિક પરિબળો મુખ્ય ભાગ ભજવી રહ્યાં હોવાનું મનાય છે.


comments powered by Disqus