અમદાવાદઃ રાજકીય આશીર્વાદને લીધે ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં બુટલેગરો, ડ્રગ્સ માફિયા અને પેડલર્સ બેફામ બન્યા છે. આ જોતાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દારૂ-ડ્રગ્સના દૂષણ સામે જંગ છેડ્યો છે, જેને જનસમર્થન પણ સાંપડી રહ્યું છે. દારૂ-ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની માગ સાથે રાજ્યભરમાં રેલીઓ યોજાઈ રહી છે. પરિણામે સરકારને બેકફૂટ પર આવવું પડ્યું છે.
ખુદ ગુજરાત સરકારે જ વિગતો આપી છે કે, વર્ષ 2020-21માં દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુદ્ધ 14214 ફરિયાદ મળી હતી. જ્યારે વર્ષ 2021-22માં 17,857 ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી હતી. વર્ષ 2023-24માં દારૂ-ડ્રગ્સનો વેપલો કરનારા બુટલેગરો સામે 16,316 ફરિયાદ થઈ હતી. ત્રણ વર્ષમાં કુલ મળીને 48,387 ફરિયાદો મળી હતી. જો કે લોકોની ફરિયાદો મળી પણ કાર્યવાહી શું કરાઈ તે મુદ્દે સરકારે ફોડ જ પાડ્યો નથી.
ફરિયાદોમાં અમદાવાદ અને સુરત મોખરે રહ્યું છે. જો કે ગુજરાતનો કોઈ જિલ્લો એવો નથી, જ્યાં દારૂ-ડ્રગ્સના અને અડ્ડા અને બુટલેગરો સામે ફરિયાદ ન થઈ હોય, ટૂંકમાં બધે દારૂ-ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો છે. માત્ર દરોડાનું નાટક કરી દેખાડો કરાય છે પણ અસરકારક પગલાં લેવાતાં નથી, જેથી દારૂના દૂષણને દૂર કરી શકાયું નથી.

