રાજકોટઃ ઇથિયોપિયામાં 12 હજાર વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીની રાખ ભારતમાં પણ ઘૂસી છે. આ રાખના કારણે ચિંતા જન્મી છે, ત્યારે ભારતમાં સક્રિય-નિષ્ક્રિય એવા 7 જ્વાળામુખીની યાદી જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાના ધીણોધર પર્વતનો પણ સમાવેશ થાય છે.
કચ્છનો આ 386 મીટર (1266 ફૂટ ઊંચો) જ્વાળામુખી પર્વત જો કે 50 કરોડ વર્ષથી સુષુપ્ત છે અને એક્સટિન્ક્ટ એટલે કે સક્રિય થવાની શક્યતા ન હોય તેની વ્યાખ્યામાં આવે છે. આ ઉપરાંત ભારતના આંદામાન નિકોબારના બરેન ટાપુ પાસેના નારકોડમ ટાપુ પરનો જ્વાળામુખી છેલ્લે ઈ.સ. 1681માં ફાટ્યા બાદ હાલ સુષુપ્ત અવસ્થામાં છે. જ્યારે બારાતંગ ટાપુમાં જ્વાળામુખી ઈ.સ. 2003થી સક્રિય છે.
આ સિવાય ભારતના હરિયાણામાં ધોસી હિલ્સ 73.20 કરોડ વર્ષોથી નિષ્ક્રિય છે. જ્યારે મણિપુર રાજ્યમાં લોકતક તળાવનો જ્વાળામુખી 10 કરોડ વર્ષોથી સુપર વોલ્કેનિક છે, જે કેવા પ્રકારનો છે તે હજુ જાણી શકાયું નથી. ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, બરડા ડુંગર પણ કરોડો વર્ષ પહેલાં એટલે કે યુગો પહેલાં લાવાથી સર્જાયા હતા.

