માત્ર ફાઇલ વર્ક નહીં, ફિલ્ડ વિઝિટ પણ કરોઃ CM

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

વલસાડઃ રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને એક ટકોર કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માત્ર ફાઇલ વર્ક કરીને સંતોષ માનવાના બદલે નિયમિત ફિલ્ડ વિઝિટ કરવી જરૂરી છે. વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલથી કાર્યક્ષમતા અનેકગણી વધશે. તેમણે અધિકારીઓને ઓનરશિપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતાથી કાર્યરત્ રહેવા પણ કહ્યું હતું. વિકસિત ગુજરાત-2047 માટે ‘અર્નિંગ વેલ-લીવિંગ વેલ’ના બે પિલ્લર આધારિત વિકાસ યાત્રાને ગતિ આપવા ‘થિન્કિંગ વેલ-ડુઇંગ વેલ’નો ભાવ જગાવવા પણ આહવાન કર્યું હતું.
વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે યોજાયેલી 12મી ચિંતન શિબિરમાં વહીવટી તંત્રને મજબૂત કરતાં અને નાગરિક હિતના અનેક મુદ્દે ચિંતન કરાયું હતું. સીએમ પટેલે ઉપસ્થિત મંત્રીઓ-અધિકારીઓને કહ્યું હતું કે, આપણે જ્યાં હોઈએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાનાં કામોમાં કાર્યરત્ રહીએ, ત્યારે જ આત્મસંતોષ મળે. આપણે પોતે કરેલાં કામોના મૂલ્યાંકનથી વિકાસની સાચી દિશા નક્કી થઈ શકે તેમ જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની સફળતામાં ટીમ ગુજરાતની મહેનત અને પ્રજાહિત માટેનું સામૂહિક ચિંતન ફળદાયી રહ્યું હોવાની નોંધ લીધી હતી.


comments powered by Disqus