ભુજઃ 25 નવેમ્બરે ભુજ નગરનો 478મો સ્થાપનાદિન પરંપરાગત-ધાર્મિક ઉત્સાહ સાથે ઊજવાયો. આ પ્રસંગે શહેરના ઐતિહાસિક પ્રાગ મહેલમાં વર્ષો જૂની ખીલીપૂજનની વિધિ કરાઈ હતી. ભુજના પ્રથમ નાગરિક દ્વારા આ ખીલીપૂજન કરાયું હતું અને બાદમાં કેક કાપીને શહેરનો જન્મદિન ઊજવાયો હતો.
કચ્છના પાટનગર ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ, સંવત 1905માં મહારાજા રાવ ખેંગારજી પહેલાએ કરી હતી. તેમણે દરબારગઢમાં ખીલી ખોડીને ભુજ શહેરનો પાયો નાખ્યો હતો. ત્યારથી આ દિવસને કચ્છના ઇતિહાસમાં ભુજના સ્થાપનાદિન તરીકે ઊજવવામાં આવે છે. ભુજની સ્થાપના સાથે જોડાયેલી ખીલીપૂજનની આ પરંપરા આજે પણ જાળવવામાં આવી છે. રાજવી સમયમાં કચ્છના મહારાજાના હસ્તે આ વિધિ થતી હતી. હાલમાં ભુજ નગરપાલિકા આ પરંપરાને આગળ ધપાવે છે, જેમાં દર વર્ષે નગરપાલિકાના ઉપપ્રમુખના હસ્તે ખીલીપૂજન કરવામાં આવે છે.
આ ઉજવણીમાં સાંસદ, ભુજના પારસસભ્ય અને રાજવી પરિવારના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ભુજ શહેર તેના સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્ય માટે જગતભરમાં જાણીતું છે. દરબારગઢ, આઇના મહેલ, પ્રાગ મહેલ, રાણીમહેલ, ફતેમામદ ખોરડો અને જૂના રાજાશાહી સમયનાં નાકાં જેવાં અનેક ઐતિહાસિક સ્થળો શહેરના ભવ્ય ભૂતકાળનો પરિચય કરાવે છે. સ્થાપનાથી અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે, જેમાં વર્ષ 2001નો વિનાશક ભૂકંપ મુખ્ય છે. જો કે ભૂકંપ બાદ ભુજે વિકાસની હરણફાળ ભરી છે.

