અમદાવાદઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની ડિજિટાઇઝેશનની 90 ટકા કામગીરી પૂરી થઈ છે. નવી મતદાર યાદી જાહેર થશે ત્યારે ગુજરાતથી 40 લાખ જેટલા મતદારોનાં નામ કપાઈ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત, જ્યારે 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ એમ કુલ 40.12 લાખ મતદારોનાં નામ કમી થશે.
રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લામાં 100 ટકા વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે પૈકી 2 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઇઝેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચૂકી છે, જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવાયું છે. ગણતરી દરમિયાન 15.58 લાખથી વધુ અવસાન પામેલા મતદારો યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 21.68 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

