‘એક પેડ મા કે નામ’: રાજ્યમાં 8 માસમાં જ 10.91 કરોડ વૃક્ષોનું વાવેતર

Wednesday 03rd December 2025 05:08 EST
 
 

ગાંધીનગરઃ દેશભરમાં પર્યાવરણ ક્ષેત્રે ફાયદો થાય અને વધુ વૃક્ષોની વાવણી થાય તે માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન ચલાવાયું હતું. આ અભિયાન ગુજરાત સહિત તમામ રાજ્યમાં ચલાવાયું હતું. જેમાં 1 એપ્રિલ 2025થી 28 નવેમ્બર 2025 સુધી ગુજરાતમાં કુલ 10.91 કરોડ જેટલી જંગી સંખ્યામાં છોડ વાવવામાં આવ્યા છે. તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે. જો કે તેલંગાણા જેવા નાના રાજ્યમાં પણ ગુજરાત કરતાં વધુ 11.70 લાખ જેટલાં વૃક્ષ વાવવામાં આવ્યાં હતાં.
જળવાયુ પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવના કારણે ઋતુ ચક્ર ખોરવાઈ ગયું છે. ઉનાળામાં ગરમીનો પારો રેકોર્ડ બ્રેક વધે છે. શિયાળામાં ઠંડીનો સમયગાળો ઘટ્યો છે. અતિવૃષ્ટિ અને માવઠાનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે. તેની અસરોના કારણે કૃષિપાકને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત ગ્રીન કવરમાં અન્ય રાજ્ય કરતાં પાછળ પણ છે. તે તમામ બાબતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષ વાવવા કરેલી અપીલને રાજ્યથી ભારે પ્રતિસાદ મળતાં સરકાર અને તેની એજન્સીઓ દ્વારા અને લોકોએ પણ સ્વયંભૂ 8 મહિનામાં જ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. લોકસભામાં અપાયેલી માહિતી મુજબ સમગ્ર દેશમાં 113.99 કરોડ વૃક્ષનું વાવેતર કરાયું હતું. તો ગુજરાતમાં 10,91,77,473 વૃક્ષ વવાયાં હતાં. ગ્રામ્ય વિસ્તારની સાથે શહેરોમાં પણ તેટલી જ સંખ્યામાં વાવેતર કરાયું હતું.


comments powered by Disqus