ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન રાજભવન હવે લોકભવનના નામે ઓળખાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે આ જાહેરાત કરી હતી. બંધારણ દિવસના આગલા દિવસે એટલે કે 25 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યોના રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાનનું નામ બદલીને ‘લોકભવન’ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. એ પછી વિવિધ રાજ્યનાં રાજભવન દ્વારા નામ બદલવાની જાહેરાત કરાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આ પરિવર્તન માત્ર નામ બદલવા પૂરતું નથી. હવેથી રાજભવન માત્ર રાજ્યપાલનું નિવાસ નહીં, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધનકર્તાઓ અને સામાજિક સંગઠનો સાથે સંવાદ અને સહયોગનું કેન્દ્ર બનશે. તામિલનાડુ. ૫.બંગાળ સહિતના વિપક્ષના પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ રાજભવનનું નામ બદલવાના જાહેરનામાનો વિરોધ કર્યો હતો.
શાસન-જનતા વચ્ચે સેતુ બાંધવા પ્રયાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનને લોકભવન નામ આપવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર વિસ્તૃત પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘આ પરિવર્તન માત્ર નામનું નથી, પણ જનસેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે. લોકભવન એટલે જનતા સર્વોપરિ. હવે આ ભવન માત્ર રાજ્યપાલનું નિવાસ નહીં પણ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધનકર્તાઓ, સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોહ અને સહભાગિતાનું એક જીવંત કેન્દ્ર બનશે.
ગત વર્ષોમાં પ્રાકૃતિક ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવાં અનેક ક્ષેત્રોમાં જે લોકકલ્યાણકારી પ્રયાસ કરાયા તેને લોકભવન વધુ ગતિ અને દિશા આપશે. ગ્રામીણ ક્ષેત્રોમાં રાત્રીવિશ્રામ, ગ્રામસફાઈ, વૃક્ષારોપણ, સહજ જનસંવાદ અને અનુસૂચિત જાતિ તથા જનજાતિના પરિવારો સાથે ભોજન જેવા અનુભવો હંમેશાં મને જીવનના વાસ્તવિક મૂલ્યોની વધુ નજીક લાવ્યા છે. લોકભવનનો ઉદ્દેશ્ય શાસન અને જનતા વચ્ચે વિશ્વાસ, સંવેદના અને સેવાનો સેતુ મજબૂત બનાવવાનો છે. જનતા જ લોકભવનનો આત્મા છે. આ સૌનો સ્નેહ, સહયોગ અને વિશ્વાસ અમને આ માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.

