અમેરિકાના આકરા ટેરિફથી સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના મત્સ્યોદ્યોગને વિપરીત અસર

Tuesday 02nd September 2025 08:20 EDT
 
 

રાજકોટઃ અમેરિકાએ ટેરિફનો અમલ શરૂ કરતાં જ ભારતીય મત્સ્યોદ્યોગ નિકાસકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે અમેરિકાએ ઝિંગા અને ભારતીય માછલી પર 50 ટકા આકરી ટેરિફ ડ્યૂટી લાદી દેતાં નિકાસને મોટો ફટકો પડવાનો અંદેશો છે. ગુજરાતથી અમેરિકામાં દરવર્ષે રૂ. 1200 કરોડના ઝિંગા અને રૂ. 400 કરોડની માછલીની અમેરિકામાં નિકાસ થાય છે.
આકરી 50 ટકા ટેરિફ ઉપરાંત ભારતીય ભાવોએ અમેરિકી ગ્રાહક માલ લેશે કે કેમ એ પણ નિકાસકારોને સમસ્યા લાગી રહી છે. વેરાવળના માછલી નિકાસકાર અને સી ફૂડ એક્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા મુજબ દેશમાં 1600 કિલોમીટર સાગરકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યમાં એકલો ગીરસોમનાથ જિલ્લો 110 કિલોમીટરનો સમુદ્ર વિસ્તાર ધરાવે છે.
ગુજરાતથી દરવર્ષે રૂ. 5 હજાર કરોડની માછલીની નિકાસ થાય છે, તેમાંથી એકલા વેરાવળનો હિસ્સો રૂ. 3 હજાર કરોડનો છે. અહીંથી ચીનમાં રિબનફિશ, ક્રોકર, થાઇલેન્ડમાં ઇન્ડિયન મેકલ, યુરોપના દેશોમાં સ્ક્વીડ માછલીની જંગી પ્રમાણમાં નિકાસ થાય છે, જ્યારે અમરિકામાં દરવર્ષે રૂ. 1200 કરોડના ઝિંગા અને રૂ. 300થી 400 કરોડની માછલીની નિકાસ થાય છે. એક બાજુ માલ મોકલવાના ફ્રેઇટ રેટ ખૂબ ઊંચા છે. આ દરમિયાન જ બાકી રહેતું હોય એમ અમેરિકાએ ભારતીય માછલી અને ઝિંગા પર 50 ટકા ટેરિફ ઝીંકી દેતાં ભારતીય નિકાસકારોને મોટી સમસ્યા અને અવઢવ પેદા થઈ છે. અમેરિકા એક મોટો ખરીદાર દેશ છે, જેનાથી હવે નિકાસ માટે અન્ય વિકલ્પો શોધવા પડશે. ભારતમાં 40 ટકા ઝિંગા ઉત્પાદન સુરત, વલસાડ, દીવ, ઉના, જામનગર, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લાથી છે. દરવર્ષે આશરે રૂ. 1000થી 1200 કરોડના ઝિંગા અમેરિકામાં નિકાસ થતા હતા.


comments powered by Disqus